શિક્ષક દિન

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તે એમ. એ. સેમેસ્ટર-૧ અને ૩ ના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લઈ પૂરી સજ્જતા સાથે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરી.

સવારે ૧૦.૩૦ કલાકે વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અધ્યયનઆ-અધ્યાપન કાર્ય થઈ શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવી. શ્વેતફલક ,લેપટોપ, ઝૂમ લિન્ક અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ગોઠવણ કરી.

૧૧ વાગ્યે સ્વયં શિક્ષક દિનની ઉજવણીનો પ્રારંભ મંગલ પ્રાર્થનાથી કરી. સેમેસ્ટર-૩ ના વિદ્યાર્થી અનિરુદ્ધભાઈ શાસ્ત્રીએ વિભાગના અધ્યક્ષ તરીકે કામગીરી કરી. ગુરુનો મહિમા વર્ણવી શુભેચ્છા પાઠવી. શિક્ષણની નવી દીક્ષાઓના સંદર્ભમાં અધ્યાપન કાર્ય કર્યું. સેમેસ્ટર-૩ ના વિદ્યાર્થિની વૃંદાબહેન પંચાલે સોળ સંસ્કાર વિષય પર ખૂબ જ રસાળ શૈલીમાં અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ સેમેસ્ટર-૩ ના વિદ્યાર્થી જમદગ્નિભાઈ શાસ્ત્રીએ શ્રીમદ ભગવદગીતા અને ભાગવદ વિષય પર અત્યંત સરળ ભાષામાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓએ વિભાગના તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવદ ગીતાનું એક પુસ્તક ભેટ કર્યું. સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થિની મુક્તિબહેન પટેલે PPTના માધ્યમથી ગર્ભસંસ્કાર વિષય પર વિવિધ ઉદાહરણો આપી ખૂબ જ ઉત્સાહથી અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થિની ગાર્ગીબહેને સરળ રીતે સંસ્કૃત ભાષામાં સંભાષણ કેવી રીતે થઈ શકે તે ઓનલાઇન જોડાયેલા અને ઓફલાઇન હજાર રહેલા વિદ્યાર્થીઓને પ્રયોગાત્મક પદ્ધતિ દ્વારા શીખવ્યું. શિક્ષક દિન ઉજવણી દરમ્યાન સેમેસ્ટર-૩ ના વિદ્યાર્થિની ક્રિષ્નાબહેન ત્રિવેદીએ ક્રીડાસત્રમાં પરિચયાત્મક રમત રમાડી સૌના ઉત્સાહમાં અનેરો આનંદ ઉમેર્યો. ક્રિષ્નાબહેને ક્રીડાસત્ર અને શૈક્ષણિક સત્રનું સંચાલન સુપરે કર્યું. વિરામ સમયમાં વિભાગના અધ્યાપકોએ બધાને સમોસાનો નાસ્તો કરાવ્યો.

શિક્ષક દિન નિમિત્તે સંસ્કૃત વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓને (સ્વયં અધ્યાપકોને ) ગર્ભ સંવાદ નામનું પુસ્તક માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહના વરદ હસ્તે ભેટ સ્વરૂપે આપ્યું.

આ ઉજવણીમાં ઓફલાઇન ૧૦ વિદ્યાર્થીઓ અને ઓનલાઇન પણ ૧૦ વિદ્યાર્થીઓ, કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાયંસત્રમાં અનિરુદ્ધભાઇએ અને મુક્તિબહેને દિવસ દરમ્યાન કરેલી પ્રવૃત્તિઓનો મૌખિક અહેવાલ રજૂ કર્યો હતો.

સંસ્કૃત વિભાગ એક વર્ષ પૂર્વે જ શરૂ કરવામાં આવ્યો છે એટલે વિભાગ દ્વારા શિક્ષક દિનની પ્રથમ વખત ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરી અનોખુ ઐતિહાસિક સંભારણું સર્જ્યું. આ દિવસની ઉજવણી કરવા માટે વિભાગ અધ્યક્ષ ડૉ . રાકેશભાઈ પટેલે, અધ્યાપિકા ડૉ. ભૈરવીબહેન દીક્ષિતે અને અધ્યાપક ડૉ. જયભાઈ ઓઝાએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત યુનિવર્સિટી કક્ષાએ શિક્ષક ગૌરવ દિન ઉજવણીમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રાકેશ પટેલ, અધ્યાપિકા ડૉ. ભૈરવી દીક્ષિત અને અધ્યાપક ડૉ. જય ઓઝાએ સુવિચાર દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.